Skip to main content

જન્માષ્ટમી 2003

ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પધાર્યા ત્યારે સૌપ્રથમ કૈકયી મા ને વંદન કરે છે. ચોધાર આંસુએ રડતી કૈકયી મા વધુ શરમિંદી બની બોલી કે, “બેટા, મારે કારણે તને પારાવાર તકલીફ પડી, રઘુકૂળ ઉપર અનેક આપત્તિ આવી છતાં સૌપ્રથમ મને વંદન શા માટે ?” ત્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર કહે છે કે, “મા, તારે કારણે જ મને ઋષિ-મુનિઓના દર્શન-સત્સંગનો લાભ મળ્યો, હનુમાન જેવા નિષ્ઠાવાળા ભક્ત અને અનેક વફાદાર સૈનિકો મળ્યા, વળી રાવણ વધને લીધે જગપ્રસિદ્ધ મળી. હું તારો ઋણી છું. તારી ઈચ્છા હોય તે વરદાન માંગ” પ્રાણપ્યારા રામને ભેટતા કૈકયી બોલી, “આ જન્મમાં તો કૌશલ્યાને કુખે પેદા થયો છે છતાં મને મા કહે છે તો મારી ઈચ્છા છે કે મને તારી મા બનવાનું સૌભાગ્ય આપ.” પ્રભુ મરક મરક હસતા બોલ્યા કે, “આવતા જન્મમાં તારા પેટે અવતાર ધારણ કરીશ પણ શરત એ કે તારું ધાવણ નહીં લઉં !!! કબુલ છે...” કૈકયી હા પાડે છે અને મનોમન વિચારે છે કે, માના ધાવણ વગર સંતાન કઈ રીતે મોટો થાય ? વચન બદ્ધતાને લીધે રાઘવેન્દ્ર શ્રીકૃષ્ણરૂપે જેલમાં દેવકીને ત્યાં પ્રગટ થાય છે. પ્રાગટ્ય સાથે જ લીલા શરૂ. ગોકુલમાં યશોદા માને ત્યાં ઉછેર થાય છે. કહેવાની જરૂરત નથી કે દેવકી એ પૂર્વ જન્મમાં મા કૈકયી હતી. પ્રારબ્ધકર્મની એવી અદ્ભૂત જાળ છે કે માનવબુદ્ધિ સમજી શકતી નથી. તેથી કોઈપણ કર્મ બાંધતા વિચાર કરો. તમારા શુભ-અશુભ કર્મો તમારી સામે ભવિષ્યમાં આવવાના જ. તેથી સદાય સારા કર્મો કરતા રહો. અસત્ય-કપટ-છળથી સદા બચવા માટે પ્રયત્ન કરો. ઘડીભર વિચાર તો કરો કે સાત સંતાન બાદ આઠમા સંતાન પ્રાપ્તિ બાદ વસુદેવજી તરત જ તેને ગોકુલમાં મુકવા જાય છે ત્યારે તેમના પર કેવું વીતતું હશે ? વરસાદ-તોફાન-કંસનો ભય વગેરે બાહ્ય આક્રમણ કરતા આંતરિક ઉલ્કાપાત જબરજસ્ત વેદના કરતી હશે. આકાશગમન કરનાર મહારથી કંસ છેલ્લે સુધી સમજી શક્યો નથી કે શ્રીકૃષ્ણ કઈ રીતે ગાયબ થઈ ગયા ત્યારે આજના મૃત્યુલોકના માનવીને શી ખબર પડે ???


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"પ્રારબ્ધકર્મની એવી અદ્ભૂત જાળ છે કે માનવબુદ્ધિ સમજી શકતી નથી"

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



Prarabdh Karma Karm MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation